Tuesday 15 December 2020

International Tea Day

આજે આંતરરાષ્ટ્રીય ચા દિવસ.

2005 ની સાલ થી ભારત અને બીજા ઘણાં દેશો ચા દિવસ મનાવે છે. ભારત સિવાય, ઇન્ડોનેશિયા, શ્રીલંકા, મલેશિયા, તાનઝાનીયા અને બીજા ઘણાં દેશ. જોકે, 2019 થી યુ.એન. માં થયેલ ઠરાવ મુજબ 21મી મે ને 'ચા દિવસ' તરીકે મનાવવાનું નક્કી કરેલું. 

આ દિવસ મનાવવા નો મૂળ ઉદ્દેશ્ય, ચા પ્રત્યે જાગૃતિ લાવવા અને ચા ના વેપાર ને દુનિયાભર માં પ્રોત્સાહન મળે એવો છે. ચા નો દુનિયાભર માં બહુ મોટો વેપાર છે. એક આંકડા પ્રમાણે એકલા ચીને ચા નું એક્સપોર્ટ 2.2 અબજ ડોલર જેટલું કરેલું. ભારત માં આ આંકડો લગભગ 7કરોડ ડોલર જેટલો છે.

ચાની મૂળ વાર્તા દંતકથા અને તથ્યના મિશ્રણથી ભરેલી છે અને આધ્યાત્મિકતા અને ફિલસૂફીની પ્રાચીન ખ્યાલો દ્વારા રંગીન છે.

ચાઇનીઝ દંતકથા અનુસાર, ચા ની શરૂઆત કુશળ શાસક અને સમ્રાટ શેન નોંગ વખતે આકસ્મિક રીતે થઈ.  ઉકળતા પાણીમા બગીચામાંથી જંગલી ચાનું ઝાડ તેના વાસણમાં ગયું.  બાદશાહ પીવામાં પાણી પીવામાં ખૂબ જ આનંદ લેતો હતો કે છોડની વધુ સંશોધન કરવાની ફરજ પડી હતી.  દંતકથા છે કે સમ્રાટને તેના સંશોધન દરમિયાન ચા મળી.

ભારત માં ચા ની શરૂઆત 18મી સદી માં બ્રિટિશ કાળ માં થઇ હોવાનું માનવામાં આવે છે. ઇસ્ટ ઇન્ડિયા કંપની એ ચીન સાથે માં વ્યાપારી સબંધો માં ચા ના વ્યાપાર ને પણ મહત્વ આપેલું. આજે ભારત દુનિયા માં ચા નું સૌથી વધુ ઉત્પાદન કરતા દેશો માં એક છે. ઉત્પાદન ના 70 ટકા વપરાશ તો દેશ મા જ થઈ જાય છે. 

મારા માટે ચા એટલે એક ઇમોશન છે. મારા દુઃખ અને સુખ બંને ની સાથી મારી ચા. ક્યારેક હું બહુ ખુશ હોઉં ત્યારે, થાકેલો હોઉં ત્યારે, દુઃખી હોઉં, ટેંશન માં હોઉં... કોઈપણ સ્થિતિ માં ચા મારી હમદમ બને. આખા દૂધ ની, આદુ ફુદીનો નાખેલી ચા મળે એટલે બીજુ શુ જોઈએ!! ઓફિસ માં ક્યારેક વધારે કામ હોય ત્યારે અમે સાંજે અડધી ચા પી ને આખા દિવસ નો થાક ઉતારીએ.

ચા પ્રત્યે નું વળગણ મને વારસા માં મળ્યું છે. મારા દાદા, મારા પપ્પા અને ઘર ના લગભગ બધા ચા ના રસિયા. અમારા પરિવાર માં 'ઉષણોદક' ના હુલામણા નામે ઓળખાતી ચા, કોઈપણ સમયે બને. સવારે, સાંજે, બપોરે અને ક્યારેક તો બધા ભેગા મળ્યા હોય ત્યારે અડધી રાત્રે પણ બને. મારા દાદા નો 'ચા બનાવો' એવો ઈશારો સ્પેશિયલ હતો. હાથમાં રકાબી હોય એમ હથેળી આડી રાખી ઈશારો કરે.. કે ગરમ પાણી મેલો 😊.

અમદાવાદમાં અડધી ચા નું ચલણ. અડધી ચ્હા, મોટા મોટા કામ કરવા સક્ષમ છે. અહીંયાની ચાય પર થતી ચર્ચા, પ્રધાનમંત્રી બનાવવા થી માંડી, ટ્રમ્પ આવશે કે નહીં આવે એ નક્કી કરતી હોય છે. દેશ ના વિવિધ ભાગો માં મને ચા પીવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. સૌથી વધારે મજા મને વારાણસી ની મારી 13 દિવસ ની યાત્રા દરમિયાન આવેલી. વારાણસી માં કોઈ પણ દુકાન માં ચા પીવો... કોઈ જગ્યા એ નિરાશા ન મળે. અને પાછું તમે ચા ના વખાણ કરો તો ચા વાળો તમને બીજી ચા એમનેમ પીવડાવી દે. 

કોરોના મહામારી ના કારણે ચા પાર્ટીઓ આ વર્ષે ઓછી થઈ. હવે આશા છે કે 2021 માં ફરીથી ચા ની પ્યાલીઓ ટકરાશે  ફરીથી અડધી ચા પર સરકારો, ક્રિકેટ ટિમો, શેરબજાર ના ભાવો નક્કી થશે. આશા રાખીએ નખ્ખોદિયો કોરોના જલ્દી જાય. 😉


સૌ ને આંતરરાષ્ટ્રીય ચા દિવસ ની શુભેચ્છાઓ. 

અહીંયા ચા સાથે ની મારી અમુક ક્ષણો ને કેમેરા માં કંડારેલી છે. 

તમને ક્યાં ની ચા વધારે ભાવે, જરૂર લખજો. 

છેલ્લે....

चा देवी सर्वभूतेषु
स्फूर्तिरूपेण संस्थिता

नमस्तस्यै नमस्तस्यै, नमस्तस्यै नमो नमः।

No comments:

Post a Comment