દિવાળીનો એ દીવડો, હજુ દિલ દિલમાં ઝળહળાય છે!

આજકાલ એક કવિતા વ્હોટ્સએપ માં બહુ ફરી રહી છે- 

ના કોઈ ઘરે આવ્યું, 
                  ને ના કોઇને મળવા ગયા;
ટેબલ પર  કાજૂ-બદામ ને પીસ્તા,
               જેમના તેમ જ પડ્યાં રહ્યા...

એ જ ટેબલક્લોથ છે,
            ને હવે ના ચાદરો બદલાય છે;
આમ પણ પહેલાંની માફક,
               ક્યાં હવે કશું યે થાય છે ? ...

ઘૂઘરા, મઠિયા ને મોહનથાળ,
                       ના કોઇ હવે ખાય છે;
બસ, થોડી સુગર ફ્રી મીઠાઇ,
                         ડીશમાં પીરસાય   છે. ...

બારણે પ્લાસ્ટિકના તોરણ,
                        ને સ્ટીકરમાં લાભશુભ;
લક્ષ્મી પગલાં ઉંબરે,
                        ક્યાં કંકુથી હવે દોરાય છે ?...

એ નવા કપડાની જોડી , 
                      ને બૂટ પર પાલીશ કરી;
બોણીની આશા લઇને,
                     ક્યાં હવે ઘર ઘર ગણાય છે? ...

તારામંડળ, ભોંય ચકરી, 
                              કોઠી ને રોકેટ;
એ ભીંત ભડાકા ને લૂમ ટેટાની,
        ક્યાં હવે રસ્તે ઠાઠથી ફોડાય છે?...

સાપની ટીકડીનો એ,
          શ્વાસમાં જતો કાળો ધૂમાડો;
આજે સ્મરણોની શેરીમાં,
                    ચારેકોર પથરાય છે....

હા, સમયના બદલાવ સાથે,
                  કેટકેટલું બદલાય છે?
તો ય જાણે એવું લાગતું,
                કે ભીતરે કૈંક ગૂંગળાય છે...


આજે આ કવિતા ની જ વાત કરવી છે. મને એમ લાગે છે કે આ કવિતા ફક્ત એક બાજુ નું દ્રશ્ય જ દર્શાવે છે. બધું જ ખરાબ નથી થઈ રહ્યું. કહેવાય છે ને કે "જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ"... મે હંમેશા દરેક વસ્તુ માં સકારાત્મકતા શોધવા નો પ્રયાસ કરેલો છે. મારું માનવું છે કે પરિવર્તન જ સંસાર ને ચલાવે છે. દિવાળી આજે પણ એ જ રીતે ઉજવાતી હોત જે રીતે એ 1980 કે 1880 માં ઉજવાતી હતી , તો કદાચ એ ઉજવાતી બંધ જ થઈ ગઈ હોત. કાળક્રમે એમાં સમયાનુસાર પરિવર્તન આવ્યા એટલે જ આજે પણ ભવ્ય રીતે ઉજવાય છે. પેઢી દર પેઢી એ બદલાય છે એટલે જ કદાચ દર દિવાળી એ આવી ચર્ચા થાય છે. દરેકે પોતાની રીતે દિવાળી ઉજવવી જોઈએ. ઉત્સવ માં આનન્દ આવવો જોઈએ. હવે ઉપર લખેલી કવિતા નો જવાબ એક કવિતા થી જ આપવાનો પ્રયાસ કરીયે.... હેપ્પી દિવાળી અને નવા વર્ષ ના રામ રામ:

​વાત સાચી, સમય સાથે, ઘણું બધું બદલાય છે,
પણ દિવાળીનો એ દીવડો, ક્યાં હજુ ઓલવાય છે?

​ના મળાયું રૂબરૂ, તો શું થયું?
ફોન પર એ 'Happy Diwali'નો, ઉમળકો તો વરતાય છે.
દૂર બેઠા સ્વજનોનો, વિડીયો કોલ પર,
ચહેરો જોઈને પણ, હૈયું કેવું હરખાય છે!

​ઘૂઘરા, મઠિયા ને મોહનથાળ, ભલે ઓછા ખવાય છે,
પણ 'Sugarfree' માં પણ, સ્વાસ્થ્યની કાળજી દેખાય છે.

ભાવ એ જ મીઠો છે, બસ રીત થોડી બદલાય છે,
દિવાળીનો એ દીવડો, ક્યાં હજુ ઓલવાય છે?

​ભલે ભીંત ભડાકા ને લૂમ ટેટાની, ધૂમ ઓછી મચાય છે,
પ્રદુષણ ઓછું ને શાંતિ વધુ, એ પણ ક્યાં ઓછું ગમાય છે?

ફટાકડાનો નહીં, પણ મનના ઉજાસનો, પ્રકાશ હવે પથરાય છે.
દિવાળીનો એ દીવડો, ક્યાં હજુ ઓલવાય છે?

​સ્ટીકરમાં 'લાભ-શુભ' ને, ભલે પ્લાસ્ટિકના તોરણ,
પણ હૃદયના ઉંબરે તો, હેત હજુ છલકાય છે.

બાહ્ય દેખાવ કરતાં, મનની શુદ્ધિ પર, ધ્યાન વધુ અપાય છે.
દિવાળીનો એ દીવડો, ક્યાં હજુ ઓલવાય છે?

​જૂની યાદોની માળા, મનમાં જરૂર મણકાય છે,
પણ નવી પેઢી સાથે, નવી રીતો પણ સર્જાય છે.

દિવાળી એ જ છે, બસ સ્વરૂપ એનું ઘડાય છે,
આનંદનો આ અવસર, દિલથી હજુ ઉજવાય છે.

દિવાળીનો એ દીવડો, હજુ દિલ દિલમાં ઝળહળાય છે!


ફરી મળીશું. આવજો. 

Comments