Wednesday 6 June 2018

BYJU's and Hichki

June 06, 2018 1

ગયા અઠવાડિયે મારી સાથે બે ઘટના બની.

BYJU's  અને હિચકી.

ઘટના એટલા માટે કારણકે બંને એ મને થોડો વિચારતો કરી મુક્યો.

પહેલા વાત BYJU's ની. આ એક લર્નિંગ એપ છે. સોસાયટી માં  એનો કેમ્પ હતો. હવે એ કેમ્પ માં જેણે જેણે ભાગ લીધો હોય એ બાળકો ના ઘરે જઈ ને આ લોકો 'કાઉન્સિલિંગ' કરે. ઇનશોર્ટ, એ લોકો એમની પ્રોડક્ટ ખરીદે એનો પ્રયત્ન કરે.

હવે, એ ભાઈ ને બોલાયા. ઘરે. જનરલી ઘરે તો હું કોઈ માર્કેટિંગ વાળા ને બોલાવતો નથી પણ હવે મેં બોલાવ્યો. અને શરૂ થયું દોઢ કલાક નું કંટાળાજનક સેશન. આટલું લાંબુ લેક્ચર કદાચ છેલ્લે કોલેજ માં સાંભળેલું. જ્યાં આગળ એકજ વાક્ય માં વાત પતે એમ હતી ત્યાં પેલા ભાઈ એ 10 વાક્ય (કે એનાથી પણ વધારે) લીધા.

જોકે, BYJU's ની પદ્ધતિ ઇમ્પ્રેસીવ હતી. વૈજ્ઞાનિક રીતે બાળક ને કેવી રીતે શીખવવું એ ખૂબ સરસ રીતે એ લોકો એ ડિઝાઇન કર્યું છે. કોઈ પણ વિષય , નાના નાના વિડીયો બનાવી ને બાળક ને શીખવવા નો સરસ પ્રયાસ આ કંપની કરે છે. ટૂંક માં કહીયે તો , શિક્ષણ માં જે વ્યવસ્થા અત્યારે છે, એને સુધારવા નું સાહસ (કે દુઃસાહસ?) કરવા ને બદલે , એ લોકો એ વ્યવસ્થા જ કેવી રીતે રસપ્રદ બનાવી શકાય એનાં ઉપર ભાર મુક્યો છે.

રહી, મુદ્દા ની વાત.. BYJU's નાં charges વધારે (કે ખૂબ વધારે) કહી શકાય એટલા છે. દરેક માણસ એફોર્ડ કરી શકે એટલા તો નથી જ. એટલે સામાન્ય માણસ ની પહોંચ ની બહાર છે.

દોઢ કલાક ના બોરિંગ સેશન પછી, હું વિચારતો એટલે થઈ ગયો કે શિક્ષણ વ્યવસ્થા ખરેખર જો BYJU's જેવી થાય તો ઘણી મદદ થઈ શકે એમ છે.

હવે, હિચકી...  ફિલ્મ જોવામાં ઘણું મોડું કર્યું પણ... દેર આયે દુરુસ્ત આયે...

BYJU's અને હિચકી ને સાથે લખવાનું કારણ માત્ર એટલું જ છે કે જ્યાં પેલો માર્કેટિંગ વાળો ભાઈ અને BYJU's ની કાઉન્સિલિંગ ની પધ્ધતિ ફેલ થાય છે ત્યાં હિચકી ફિલ્મ સફળ થાય છે.

દોઢ કલાક ની આ સુંદર ફિલ્મ , ભલે પ્રિડીક્ટિવ છે પણ ખૂબ સુંદર સંદેશો આપે છે. વર્ષો પહેલા ... દો આંખે બારહ હાથ નામની ફિલ્મ માં જેમ પેલા વી. શાંતારામ ખુંખાર કેદિઓ ને સુધારવાનું કામ કરે છે એવુંજ કાંઈક આ ફિલ્મ માં નૈના ના રોલ માં રાની મુખરજી કરે છે.

'There are no Bad Students, There are Bad Teachers' ..  નો સંદેશો દર્શકો ને આપતી આ ફિલ્મ બે કલાક માં એ સમજાવે છે જે દોઢ કલાક માં પેલો માર્કેટિંગ વાળો મને ન સમજાવી શક્યો. એ પણ જરાય બોર કર્યા વગર. સમાજ માં પ્રવર્તતી અસમાનતા, ગરીબ અને અમીર વચ્ચે ની ન પૂરી શકાય એવી ખીણ, મજબૂરી આ બધું ફિલ્મ માં ખૂબ સરસ રીતે રજૂ કર્યું છે.

ગરીબ વિદ્યાર્થીઓ ના ધારદાર સંવાદો , દિલ માં ચોટ કરી જાય એવા છે. નૈના જ્યારે PTM માં કોઈ માતાપિતા નથી આવતા ત્યારે એમને મળવા જ્યારે એ લોકો ના ઘરે જાય છે, એ સીન ખરેખર દાદ માંગી લે એવું છે. પાંચ મિનિટ ના એ દ્રશ્ય માં ફિલ્મકાર આપણ ને સમગ્ર દુનિયા બતાવી જાય છે.

વિદ્યાર્થીઓ માં રહેલી સુષુપ્ત શક્તિ કઈ રીતે બહાર લાવવી, શિક્ષણ ની સાચી રીત કઈ હોવી જોઈએ , સાચું શિક્ષણ ફક્ત માર્ક્સ લાવવા નહીં, જીવનલક્ષી હોવું જોઈએ એ આ ફિલ્મ માં ખૂબ સરસ રીતે દર્શાવ્યું છે. BYJU's વાળા સાથે હું જે બાબતે સહમત નતો થયો... એના પર આ ફિલ્મે મહોર મારી. દરેક વિદ્યાર્થી ને દરેક વિષય માં 'ઉત્તીર્ણ' કરવાને બદલે, કોઈ એક વિષય માં 'નિષ્ણાત' બનાવવા તરફ ધ્યાન અપાય તો કેવું!!

હવે પરફોર્મન્સ ની વાત.... મારા મતે રાની મુખરજી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની અન્ડરરેટેડ કલાકારો માં ની એક છે. બ્લેક જેવી યાદગાર ફિલ્મ પછી આ ફિલ્મ માં વારેઘડીએ હિચકી ખાતી એક સ્કોલર સ્ટુડન્ટ કે જે ફક્ત ને ફક્ત ટીચર બનવા માંગે છે, એવી એક કોન્ફિડન્ટ યંગ ગર્લ નો રોલ ખૂબ સરસ રીતે નિભાવ્યો છે. નૈના માથુર નો રોલ જાણે રાની માટે જ લખવામાં આવ્યો હોય એવું લાગે છે. ફિલ્મ ના એક દ્રશ્ય, જેમાં પહેલી વાર નૈના ને એની બીમારી પર ગુસ્સો આવે છે... એ ફરી એક વાર બ્લેક ફિલ્મ ની યાદ તાજી કરાવે છે.

આ ફિલ્મ માં છેલ્લે શુ થશે એ દર્શક ને પહેલે થી જ ખબર હોય છે... એ કદાચ એનો માઇનસ પોઇન્ટ કહી શકાય પરંતુ રાની ના દમદાર પરફોર્મન્સ આગળ અને આ પોઇન્ટ ખૂબ નાનો ગણાય.

Overall, a must watch film. હજી સુધી પણ ન જોઈ હોય , તો જલ્દી જોઈ લો. Amazon Prime માં મળી જશે. હવે તો TV પર પણ આવી ગઈ છે.

3.5 stars out of 5.

Friday 1 June 2018

My Another Attempt to Blogging..

June 01, 2018 0

Hi Firends,

છેલ્લા ઘણાં વર્ષો થી પોતાની બ્લોગ શરૂ કરવાની ઈચ્છા હતી. ઘણાં સમય પહેલા ચાલુ પણ કરેલી.

બ્લોગ લખવા માટે ની સૌથી પહેલી શરત છે... નિયમિતતા. એ સમયે એ મારામાં જરાય નહોતી. શરૂ તો કર્યું પણ ઉચિત વિષય, Ideas ના અભાવે, થોડા સમય માં જ એ બ્લોગ ના પાટિયા પાડી દીધેલા.

વાત છે કદાચ 2010 પહેલા ની.

હશે... જે થયું એ થયું. હવે ફરીથી શરૂ કર્યું છે.... આવું લખતા ને સાથે જ મારી મમ્મી ના પેલા શબ્દો યાદ આવી જાય... "જોઈએ કેટલા દિવસ ચાલે છે!!" 😊.

આ બ્લોગ માં હું મારા વિચારો લખીશ.. ફિલ્મો વિશે, રમતો વિશે, કરન્ટ અફેર્સ વિશે, રાજકારણ વિશે... મતલબ કે કોઈપણ વિષય વિશે લખીશ... મારા વિચારો. આમ તો હું એક પણ વિષય નો નિષ્ણાત નથી.. પણ મને જે યોગ્ય લાગશે એ લખીશ. મારી પોસ્ટ અત્યાર સુધી તમે ફેસબુક કે ટ્વિટર પર જોઈ જ હશે... એ બંને પણ ચાલુ જ રહેશે... પણ આ કંઈક નવું શીખવાનો પ્રયત્ન કરીશ.

ઈશ્વર ને પ્રાર્થના સાથે આ પહેલી પોસ્ટ મૂકી રહ્યો છું. મારે શું લખવું જોઈએ, કયા વિષય પર લખવું જોઈએ એ વિશે તમારા સૂચનો આવકાર્ય છે.

સમય જતાં 'ગેસ્ટ રાઇટર' તરીકે પણ કોઈ ને  બોલાવવાનો પ્રયત્ન કરીશ.

ચાલો હવે કોઈ વિષય ની શોધ માં જઉં છું. ત્યાં સુધી... આવજો.

✒️NJ
(સ્ટાફ બસ ના વાતાનુકુલીત માહોલ માં થી)