Tuesday 5 February 2019

મારો આજનો ઉપવાસ

February 05, 2019 0
આજે મેં ઉપવાસ કર્યો.

ઉપવાસ નું નામ સાંભળતાજ, એક ટાઈમ ભૂખ્યા રહેવું, ફરાળ ખાવું, વેફર્સ ખાવી વગેરે યાદ આવી  જાય.પણ મારો આજનો ઉપવાસ થોડો જુદો હતો.

છેલ્લા ઘણાં દિવસ થી પડી રહેલી કડકડતી ઠંડી ના કારણે સવારે ઓફિસ જતાં હું મારુ બાઈક એક મિત્ર ના ઘરે મૂકી દઉં છું  બાદ અમે બસ માં જઈએ. ઠંડી થી બચવા માટે નજીક નું બસસ્ટોપ પસંદ કરવા નું  આ મોટું કારણ છે.

આજે 'કડાકે કી ઠંડ ' માં  મળેલી એટલે મેં વિચાર્યું કે રોયલ એન્ફિલ્ડ ની થોડી માજા લઉં. એટલે આજે લોન્ગ રૂટ પસંદ કર્યો. ઘરે થી નીકળતા મનોમન વિચાર કર્યો કે આજે ટ્રાફિક ના તમામ નિયમો નું પાલન કરું. બસ, આ જ મારો આજ નો ઉપવાસ. હવે ટ્રાફિક ના તો એવા ઘણાં નયમો છે જેની બધા ને ખબર પણ નથી હોતી. મારા માટે 'બધા નિયમો' એટલે સિગ્નલ નું પાલન, નિયત લેન માં ડ્રાઇવિંગ, અને સ્પીડ લિમિટ નું ધ્યાન રાખવું. એવું નથી કે હું નિયમપાલન માં નથી માનતો.. પરંતુ આજે તો નક્કી જ કર્યું કે કોઈ રેડ સિગ્નલ પર ઉભો રહે કે ન રહે... હું એકલો પણ ઉભો  રહીશ. જનરલી સવારે કોઈ રેડ સિગ્નલ ને ગણે નહિ.. પણ આજે મેં એક પણ સિગ્નલ તોડ્યા વગર મારી સફર પૂરી કરી. મંઝિલ પર પહોંચ્યા પછી શહેર માટે કંઈક કર્યા ની ભાવના મન માં  જાગી. જોકે, મારા આ ઉપવાસ માં, હું એકલો ના હતો. સવારે ઓફિસ જવાના ટાઈમે, ચાર રસ્તા પર કોઈ ટ્રાફિક હવાલદાર ન હોય છતાં પણ દરેક સિગ્નલ પર તમામ વાહન ચાલકો શિસ્તબદ્ધ રીતે સ્ટોપ લાઈન ની પાછળ ઉભા હોય એ દ્રશ્ય જોઈ ને મને બહુ આશ્ચર્ય થયું. મારી સાથે આટલા બધા 'ઉપવાસીઓ' જોઈ ને ઘણો આનંદ થયો.

તો થોડી વાત કરીયે અમદાવાદ ના ટ્રાફિક ની.

અમદાવાદ એટલે વિચિત્ર ટ્રાફિક માટે કુખ્યાત શહેર. અહિયાં યેન કેન પ્રકારેણ સિગ્નલ માંથી કઈ રીતે ઝડપથી નીકળી જવું, લીલી બત્તી લાલ થાય એ પહેલા કઈ રીતે સામા છેડે જતા રેહવું, એની ટ્રેનિંગ વાહન ચલાવવાની ટ્રેનિંગ પેહલા મળી જતી હોય છે. વિનોદ ભટ્ટ સાહેબે 'અમદાવાદ એટલે અમદાવાદ' માં લખેલું એમ , પગ થી સાઈડ બતાવવાની શોધ કદાચ અમદાવાદ માં જ થઇ  હશે.

હવે આવા 'નો ટ્રાફિક સેન્સ ' વાળી પ્રજા જ્યાં હોય એવા શહેર ની ટ્રાફિક પોલીસ નું કામ કેટલું કપરું હોય એ કહેવાની જરૂર જ નથી. આ નોનસેન્સ પ્રજા ની સાન ઠેકાણે લાવવાનું 'ભગીરથ' કાર્ય છેલ્લા કેટલાક મહિના થી પોલીસ અને AMC મળી ને ખુબ સારી રીતે કરી રહ્યા છે. વિજય નેહરા સાહેબ ની આગેવાની માં ટ્રાફિક ના નિયમો ઘણાં કડક થયા છે. સાથે સાથે સરકારી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ મોર્ડર્ન કરવામાં આવી રહ્યું છે. ઠેર ઠેર સીસીટીવી કેમેરા, ઈ-મેમો સિસ્ટમ જેવા નવતર પ્રયોગો થી શહેર ની ટ્રાફિક વ્યવસ્થા સારી એવી કંટ્રોલ માં આવી છે.

હવે કોઈપણ નવી વ્યવસ્થા શરુ થાય ને, એટલે મોટાભાગ ના વાંકદેખાઓ નો પહેલો પ્રશ્ન આવે.. "આ બધું કેટલા દિવસ?" ... થોડા દિવસ પછી જૈસે થે. પણ આવા બડફાઓ ની આ ધારણા ખોટી પડી. જયારે પણ લોકો ને એવું લાગ્યું કે તંત્ર થોડું ઢીલું પડ્યું છે, અને લોકો પહેલા ની જેમ થવા લાગ્યા, તરત જ તંત્ર પાછું સાબદું થયું ને ડબલ ફોર્સ થી ટ્રાફિક નું પાલન કરવામાં લાગી ગયું. આ લખાય છે ત્યાં સુધી તો મને ટ્રાફિક ની વ્યવસ્થા ઘણી સુધરી હોય એવું લાગે છે.

હવે જવાબદારી છે નાગરિકો ની. ગુજરાતી ઓ જયારે વિદેશ જઈ  ને પાછા ફરે ત્યારે ત્યાંની ટ્રાફિક વ્યવસ્થા, ત્યાંની સ્વ્ચ્છતા ના વખાણ કરતા થાકતા નથી હોતા. આપણા ત્યાં આવું શક્ય છે જ નઈ  એવી દલીલ ફક્ત એવા લોકો કરતા  હોય છે જે પોતાના દેશ માં સિગ્નલ પર ચાર સેકન્ડ પણ ઉભા ન રહી શકતા હોય... અથવા ચાલુ ગાડી એ દરવાજો ખોલી ને થૂંક ના ધોધ વહાવતા હોય. આવા લોકો ને વ્યવસ્થા પર આંગળી ઉઠાવવા નો કોઈ અધિકાર નથી. આજે સવારે નાગરિકો માં જવાબદારી નું ભાન થયેલું જોઈ ને ઘણો આનંદ થયો. વધારે ખુશી તો ત્યારે થઇ જયારે પેલા જુવાનિયા.. કે જે ફક્ત મોજશોખ ખાતર સવારે ફરવા નીકળ્યા હોય બાઈક લઇ ને... એ લોકો ને પણ નિયમ પાલન કરતા જોયા.

આશા રાખીયે કે 2019 માં અમદાવાદીઓ ટ્રાફિક ના નિયમ નું પાલન કરવાનું વ્રત લે... શહેર ને બદલવું આપણા હાથ માં જ છે...