Saturday 11 January 2020

આજકાલ હું કેમ કાંઈ લખતો નથી!!

January 11, 2020 1
આજે મારા એક મિત્ર એ મને સવાલ કર્યો... "આજકાલ તમે કેમ કંઈ લખતા નથી?" 

મિત્ર ની ટકોરે મને આજે લખવા પ્રેર્યો છે. આભાર મિત્ર.

આજ થી લગભગ એક વર્ષ પહેલા મેં મારી છેલ્લી પોસ્ટ લખેલી. 2018 માં બ્લોગ "રિલોન્ચ" કરતી વખતે જ મેં લખેલું કે રેગ્યુલારિટી જળવાય તો સારું. અને ફરી થી એક વાર એ જ થયું. કદાચ મારી બ્લોગ ને પણ એક મોટી પાર્ટી ના નેતા ની જેમ વારે ઘડીયે રિલોન્ચ થવા ની આદત પડી જશે!! 

સોશિયલ મીડિયા અને બ્લોગીંગ નો ફાયદો એ છે કે તમે તમારા વિચાર મુક્તપણે વ્યક્ત કરી શકો છો. ફ્રેન્કલી સ્પીકિંગ, મને સોશિયલ મીડિયા કદાચ પહેલા એટલે ગમતું કે એમાં મારા જેવા વિચારો ને લાઈક કરનાર, મારા પાડેલા ફોટા પર કોમેન્ટ કરનાર મિત્રો મલતા. હજી પણ મળે છે. ભવિષ્ય માં પણ મળતા રહેશે એવી આશા છે. પણ પેલો અર્થશાસ્ત્ર નો (કદાચ) નિયમ છે ને કે દરેક વસ્તુ નો એક તુષ્ટિગુણ હોય છે. હવે સોશિયલ મીડિયા માં એટલી મજા નથી આવતી જેટલી પહેલા આવતી હતી. રહી વાત બ્લોગિંગ ની, તો એના માટે મારા મતે નિયમિતતા અને વિષય નો ઊંડાણપૂર્વક અભ્યાસ ખુબ જરુરી છે. જે બંને મારા માં નથી. હું બહુ ઉચ્ચ અભ્યાસ કરેલો વ્યક્તિ નથી કે મને વાંચન નો પણ કોઈ ખાસ શોખ નથી. હવે જયારે કોઈ વિષય વિષે લખવું હોય તો આ બંને જરૂરી છે. 

ખેર, 2020 માં ફરીથી પ્રયત્ન કરીશ કે નિયમિતતા જળવાઈ રહે. આના માટે મિત્રો ના સૂચનો પણ આવકાર્ય છે. 

તો શરૂઆત કરીયે? 

સૌથી પહેલા દેશ વિષે. સૌ એ માર્ક કર્યું હશે કે છેલ્લા ઘણા સમય થી મેં મારી રાજનીતિક કૉમેન્ટ્સ ઓછી કરી દીધી છે. શરૂઆત 2013 થી થયેલી કદાચ. એ સમયે મને ન ગમતી પાર્ટી નું રાજ હતું. હા, કોન્ગ્રેસ પાર્ટી મને પહેલે થી પસંદ નહોતી. કદાચ એનું કારણ હું જ્યારથી સમજણો થયો ત્યાર થી જ ગુજરાત માં ભારતીય જનતા પાર્ટી નું સાશન જોવું છું એ હોઈ શકે. મારી ઝીંદગી નો પહેલો વોટ પણ મેં ભાજપ ને જ આપેલો. આદરણીય અટલજી તે સમયે ગાંધીનગર ની સીટ પર થી લડેલા. આજે પણ મને એ વાત નો ગર્વ છે કે મારો પહેલો વોટ મેં એમને જીતાડવા આપેલો. અટલજી ના દમદાર ભાષણો નો હું પહેલે થી ફેન રહ્યો છું. એ સમયે સોશિયલ મીડિયા ન હતું છતાં અટલજી ની પ્રસિદ્ધિ શિખર પર હતી. આજે પણ યુટ્યુબ પર એમના સંસદ ના ભાષણો ઘણીવાર જોવું છું. 2018 માં 16 ઓગસ્ટ ના દિવસે દેશે જયારે અટલજી ગુમાવ્યા, ત્યારે સ્વજન ને ખોઈ દીધા હોય એટલું દુઃખ થયેલું. એટલું દુઃખ પહેલા 2015 માં કલામ સાહેબે જયારે અંતિમ શ્વાસ લીધા ત્યારે રડી પડેલો.

હવે 2013 થી મેં સોશિયલ મીડિયા માં રાજનીતિક કોમેન્ટ ચાલુ કરેલી. તટસ્થ હોવા નો દંભ હું જરાય નહિ કરું. મારી બધી કૉમેન્ટ્સ, મારા ભાજપી સ્વભાવ ને ગમે એવી જ હતી. આજે પણ ભક્ત ની શ્રેણી માં મારી ગણતરી થાય એનો મને કોઈ જ અફસોસ નથી. મારા મતે દુનિયા ની કોઈ વ્યક્તિ તટસ્થ હોતી જ નથી. થોડા ઘણા અંશે દરેક વ્યક્તિ ની પ્રિય અને અપ્રિય વસ્તુ કે વ્યક્તિ હોય જ છે. હું પણ એક માણસ છું.. મારા પણ ગામ અણગમા છે જ. 2014 માં જયારે ગમતી સરકાર આવી ત્યારે મને પણ આનંદ થયેલો. આજે પણ સરકાર ના ક્યાંક વખાણ થાય તો મને આનંદ થાય. સરકાર ની ટીકા થાય ત્યારે દુઃખ પણ થાય. સહજ પ્રક્રિયા છે. મને "હું સત્ય ની સાથે રહીશ" એવો ખોટો દંભ કરતા નથી આવડતો. મારા મતે રાજનીતિમાં તમારે The Good , The Bad અને The Ugly માં થી નહિ પણ Bad, Worse અને Worst માંથી જ કોઈ ની પસંદગી કરવાની હોય છે. આદર્શ રાજ નેતા ની કલ્પના એ માત્ર કલ્પના જ છે. એ ક્યારેય હકીકત નહીં બને. 

આજકાલ મારી રાજનીતિક કોમેન્ટ ઓછી થવાનું કારણ એ જ છે કે આજકાલ જે ચર્ચાઓ ચાલી રહી છે, એમાં મારો ઉંડાણપૂર્વક અભ્યાસ છે જ નહીં. CAA , 370, NRC, ટ્રિપલ તલાક વગેરે જેવા મુદ્દા ગહન અભ્યાસ માંગી લે એવા છે. પહેલા ની જેમ મને "few likes" કે "few comments" મેળવવા નો શોખ ઓછો થઇ ગયો છે. બીજું કારણ એ પણ છે કે રાજનીતિક ચર્ચા ઓ ને કારણે છેલ્લા ઘણા સમય થી એવુંપણ થાય કે મિત્રો કે સગાઓ સાથે બિનજરૂરી ચર્ચા માં ઉતરી જવાય અને એના કારણે સંબંધો પર અસર પડે. મારી સાચી મૂડી મારા મિત્રો છે. મારા વિચારો ના લીધે હું મારી મૂડી ગુમાવી દઉં એ મને ન પોસાય. 

આજકાલ CAA  અને NRC નો કકળાટ બહુ ચાલ્યો છે. હવે હું કોઈ કાયદાશાસ્ત્રી તો છું નહિ પણ થોડું ઘણું જે વાંચ્યું છે તેના પરથી એટલું જરૂર કહીશ કે સીટીઝન એમેન્ડમેન્ટ એક્ટ માં કોઈ એક ધર્મ ને બાદ રાખવામાં જરૂર આવ્યો છે પરંતુ એ ચોક્કસ ધર્મ ના લોકો પણ પહેલા જેમ ભારિતય નાગરિકતા મેળવવા ની જે પ્રોસિજર છે એ ફોલો કરી ને ભારત ના નાગરિક બની શકે છે. આખો કાયદો ભારત ની બહાર વસતા અને ભારત માં પાછા ફરવા માંગતા ત્રણ દેશો ના નાગરિકો માટે છે. હવે સમજ માં એ નથી આવતું કે દેશ ની અંદર ના લોકો ને આનાથી શું ખતરો હોઈ શકે!! કોઈ કહે છે એકલા CAA  થી કોઈ પ્રોબ્લેમ નથી પણ CAA અને NRC સાથે આવે ત્યારે મોટી બબાલ થાય એવી છે. સરકારે હજી સુધી સંસદ પટ પર NRC નો મુસદ્દો મુક્યો જ નથી એ પહેલા આવી ધારણા બાંધી લેવી મારા હિસાબે ખોટી છે. આના લીધે દેશ માં જે હિંસા ની ઘટનાઓ બની છે એ ખરેખર ચિંતાજનક છે. સરકાર તરફ થી NRC હમણાં લાવવાનો કોઈ પ્લાન નથી એવો ખુલાસો પણ જરૂરી છે. એમાં થઇ રહેલા વિલંબ ના લીધે પણ સરકાર ની દાનત પર શક જાય છે. 

ઈકોનોમી - એમાં કોઈ બેમત નથી કે દેશની ઈકોનોમી મુશ્કેલી માં છે. આમ જોવા જઈએ તો વિશ્વ ની લગભગ દરેક ઈકોનોમી મુશ્કેલી માં જણાઈ રહી છે. ઉપરથી અમેરિકા, ચીન, નોર્થ કોરિયા, ઈરાન જેવા દેશો ના સનકી શાસકો શાંતિ ડહોળી ને માહોલ ને વધારે ખરાબ કરી રહ્યા છે.  ક્યાંક ને ક્યાંક આર્થિક મોરચે મોદી સરકાર ના પગલાં નિષ્ફ્ળ અથવા તો બિનઅસરકારક સાબિત થઇ રહ્યા છે. હું કોઈ ઈકોનોમિસ્ટ નથી એટલે અર્થતંત્ર ને પાટે કઈ રીતે લાવવું એનો રસ્તો સરકાર ને બતાવવા લાયક નથી. પણ આવા મુશ્કેલ સમય માં મારા ઘર નું બજેટ જળવાઈ રહે એવા પ્રયત્નો જરૂર કરીશ. તાજેતર માં આવેલા ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ ના પોઝિટિવ આંકડા અર્થતંત્ર માં સુધારો સૂચવે છે. આશા રાખીયે કે 2020 નું વર્ષ ભારત ના અર્થતંત્ર માટે વધુ સારા સમાચાર લઇ ને આવે. આશા એ પણ છે કે CAA અને NRC ના સોશિયલ મીડિયા અને મેઈનસ્ટ્રીમ મિડયા માંના કોલાહલ વચ્ચે સરકાર ની પ્રથમિકતા અર્થતંત્ર ને પાટા પર લાવવાની હશે. હેડલાઈન મેનેજમેન્ટ ની સાથે સાથે પ્રાયોરિટી મેનેજમેન્ટ પણ થતું જ હશે એવો વિશ્વાસ મને તો છે. 

છેલ્લે છપાક અને તાનાજી.  આ લખાય છે ત્યાં સુધી મેં બંને ફિલ્મો નથી જોઈ. આજે તાનાજી જોવાનો પ્લાન છે. મુવી કેવી લાગી એ પણ લખીશ. છપાક જોવાનો હાલ માં કોઈ પ્લાન નથી. એનો મતલબ એ નથી કે એનો મેં બોયકોટ કર્યો છે. ફિલ્મ નું ટ્રેલર આવ્યું ત્યારથી નક્કી કરેલું છે કે આ મુવી ટીવી પર જ જોઇશ. દીપિકા મારી પ્રિય હિરોઈન છે (કાજોલ પછી ની). એનો ચહેરો બગડેલો જોવો એ મારા માટે થોડું મુશ્કેલ છે. એટલે એને મોટા પડદે નહીં જોવું. 

દીપિકા પાદુકોણ JNU માં ગઈ ત્યાર થી #BoycottChhapaak ટ્રેન્ડ થઈ રહ્યું છે. જે મારા હિસાબે બરાબર નથી. જોકે આવા બોયકોટ કોલ ની માત્ર ટ્વિટર અને ફેસબુક પર જ અસર જોવા મળતી હોય છે. ભૂતકાળ માં પણ ઘણી ફિલ્મો ના બોયકોટ કોલ પછી બ્લોકબસ્ટર હિટ થવાના ઉદાહરણ છે. હા, એટલું ચોક્કસ કહીશ કે દીપિકા ના JNU વિઝિટ નું ટાઈમિંગ અનફોચ્યુંનેટલી ખોટું હતું. હવે યોગાનુયોગ હોય કે ગમે તે, પરંતું  કલાકારો પણ દેશ ના નાગરિકો છે. એમને કોઈ પણ મુદ્દે બોલવું કે ન બોલવું, ક્યારે બોલવું, ક્યાં બોલવું એનો અબાધિત અધિકાર છે. પેલા બોયકોટ ના કોલ આપનારા ઓ નો પણ એટલો જ અધિકાર છે. અને એ બોયકોટ કોલ ને માનવો કે નહિ એ નક્કી કરવા નો પણ દરેક નાગરિક નો અબાધિત હક છે. લોકશાહી ની આ જ ખુબસુરતી છે. બાકી ઘણા દેશો માં તો એક માં સજા એટલે થઈ કે એણે  એના સળગતા ઘર માંથી એના સંતાનો ને બચાવ્યા અને એ દેશ ના શાસક ના ફોટા ને ન બચાવી શકી. આપડે એવા નથી. અને થવાના પણ નથી. 

જે હશે તે, 2020 માં દેશ અને દુનિયા માં શાંતિ અને સમૃદ્ધિ બની રહે, દરેક દેશ ના "હેપીનેસ ઇન્ડેક્સ" માં વધારો થાય એવી ઈશ્વર ને પ્રાર્થના કરીયે.

સૌ મિત્રો ને 2020 ની વિલંબિત શુભકામનાઓ.


તા.ક. : ફિલ્મ હેલ્લારો વિષે ની મારી પોસ્ટ બાકી છે. મોડું જરૂર થઈ ગયું છે પણ બહુ જલ્દી લખીશ. એ સિવાય કયા વિષય વિષે મારે લખવું જોઈએ (કે લખવાનું બંધ કરવું જોઈએ ? )  એના સૂચનો પણ આવકાર્ય છે.

NJ.
12th Jan 2020